skip to Main Content

Lockdown Chapter 1

મનુષ્ય એ એક એવું પ્રાણી છે જે પોતાની ભૂલોમાંથી કશું જ શીખી શકે એમ નથી. ઈતર પ્રાણીઓને એકવાર કશું શીખવાડવામાં આવે તો તે જીવન ભર તેનું પાલન કરે છે. પોપટને જે શીખવો તે શીખી લીધા પછી તે ભૂલતો નથી, પછી ભલે તે

“રામ” નામને ઓળખતો ન હોય !

આજે માનવ સમુદાય બે ભાગમાં સ્પષ્ટપણે વહેંચાઈ ગયો છે. એક શુદ્ધ વિજ્ઞાનને શરણે છે અને બીજો વર્ગ મંત્ર તંત્ર, હોમ  દેવી દેવતાઓની પ્રાર્થનાથી કોરોનાને ભગાડવા પાછળ પડ્યો છે. પરંતુ મહામારી પાસે આવે તો પાછો વિજ્ઞાનનો સહારો લે અને ધન્યવાદ પોતાના મંત્ર દેવને જ આપે. અને જશ તે ફાવે તેને આપે તેનો વાંધો નહિ પણ ખોખલી અંધશ્રદ્ધા ફેલાવવામાં આવા તત્ત્વો બહુ મોટો ભાગ ભજવે છે. ભોળા ધાર્મિક લોકો ખોટી માહિતીનો ભોગ બને છે અને ધર્મની દુકાન ચલાવનાર તેનો ભરપૂર ફાયદો ઉઠાવે છે.

એક વાત યાદ રાખો :- મુંઝવણ સાથે દોડવું તેના કરતાં સમજણ સાથે ધીમા ચાલવું ઉત્તમ છે. સૌથી મોટી મુશ્કેલી જુવો તો નિરક્ષર અથવા ઓછું ભણેલા કરતાં વધુ અભ્યાસ કરીને પછી ધર્મના પુસ્તકો પકડનારા વધુ ખતરનાક બન્યા છે. ધાર્મિકતા અને આધ્યાત્મિકતા વચ્ચેનો ભેદ આ ભણેલી પેઢી સમજવામાં સંદતર નિષ્ફળ ગઈ છે. ઉદાહરણ તરીકે જુવો તો શિવ ઉપાસના એ શુદ્ધ સાધના છે, આરાધના છે. એકાંતમાં થતી ઉપાસના છે. આજે ભણેલી ડાહી પ્રજાને આ શિવ ઉપાસનાના નામે મંડળો બનાવી ટોળામાં ફેરવી નાખી, તેનું સત્યનાશ કરી નાખ્યું, વળી સરઘસ, ભાંગ અને નાચગાન સાથે જોડીને આખીય ઉપાસના-સાધનાને દુષિત કરી નાખી. એવીજ રીતે કૃષ્ણ ભક્તિ એ અણીશુદ્ધ પ્રેમની ઉપાસના છે, તેને છપ્પન ભોગ અને હિંદોળાના ગાડપણમાં ફેરવી નાખી, કયાંય શુદ્ધ સાત્વિકતા દેખાતી નથી. બુદ્ધિજીવીઓ (Rationalis) લોકો થોડો અવાજ કરે તો તેને નાસ્તિક-ભષ્ટ કહીને ઉતારી પાડવાની હલકટ વૃત્તિ આવી છે અને આવા શુદ્ધ અવાજોને દબાવવાનો પ્રયત્નો થાય છે અને થયા છે.

કોરોના ના વાયરસને ભગાવવા જાત જાતના બખડજંતર તેમજ અનેક ઉપાયો અજમાવવાના અસંખ્ય મેસેજો છુટ્યાં છે. આજથી શરૂ થતું આરાધના સાધનાનું પર્વ ચૈત્રી નવરાત્રી (જીવણજી મહારાજે આપણેને આવા વ્રતો, ઉપાસનામાંથી બચાવ્યા છે) માટે પણ બખડજંતર ચાલુ થયા, સાવલાખ નારિયેળનો હોમ કરવાથી વાતાવરણ શુદ્ધ થશે અને વાયરસ જતો રહેશેની એવી હવા ફેલાવવામાં અમુક તત્ત્વો સફળ થયા છે. અને તેને ફેલાવી રહ્યા છે તો મારો સ્પષ્ટ મત છે કે ઈટાલીની મદદ માટે ચીનથી અને મેકસિકોની નિષ્ણાંત ડૉકટરોની ટીમ ગઈ તેમ અહીંયાથી નારિયેળ વગેરે જરૂરી વસ્તુ લઈને ઈટાલી પહોંચી ગયા હોત તો આટલો હાહાકાર દુનિયામાં ફેલાયો ના હોત !

અંધશ્રદ્ધાળુને બહાના અનેક. રામકબીર ઉદા પરંપરાનાં અનુયાયીઓને જીવણજી મહારાજે બચાવી લીધાં પરંતુ આમ છતાં અધુરું જ્ઞાન કોઈને પચતું નથી તેમ આપણી પરંપરામાંથી પણ કેટલાંક પતંગિયા ખેંચાઈને બહાર ગયા છે.

વિચારો દુનિયાભરના તમામ ધર્મોના ધાર્મિક સ્થાનો બંધ, તમામ આશ્રમો બંધ, તમામ ઈશ્ર્વર હાલ વેકેશન ઉપર ગયા છે. કોઈપણ ધર્મના વડા હાલ કોરોના બાબતે સ્પષ્ટપણે કશુંજ કહેવા તૈયાર નથી. રામજન્મ મહોત્સવ ઉપર અયોધ્યા બંધ છે અને હજ માટે સાઉદી અરેબિયા બંધ. ધાર્મિક નહિ બનો તો ચાલશે સાચા આધ્યાત્મિક બનો તે જરૂરી છે. કબીરજી, જીવણજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ, ગુરુનાનક માત્ર ધાર્મિક ન હતા સાચા આધ્યાત્મિક હતા. સમજો અને વિચારો…….

Back To Top